ભારત સરકારે દેશની સરકારી તેલ રિફાઇનરી કંપનીઓને કહ્યું છે કે તેઓ હવે અમેરિકા અને વેનેઝુએલા પાસેથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદવા પર વિચાર કરે. અમેરિકી મીડિયા બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.
બ્લૂમબર્ગ અનુસાર, અમેરિકા સાથે થયેલી તાજેતરની ટ્રેડ ડીલ પછી ભારત સરકારે આ વિનંતી કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ટ્રેડ ડીલની જાહેરાત દરમિયાન કહ્યું હતું કે ભારતે રશિયન તેલની આયાત સંપૂર્ણપણે બંધ કરવાનું વચન આપ્યું છે.
પ્રાઇવેટ ડીલ દ્વારા ક્રૂડ મંગાવવાની તૈયારી
સરકારે કંપનીઓને કહ્યું છે કે જ્યારે પણ ટેન્ડર દ્વારા સ્પોટ માર્કેટમાંથી તેલ ખરીદે, તો અમેરિકી તેલને પ્રાથમિકતા આપે. સરકારે વેનેઝુએલાના ક્રૂડ ઓઇલને લઈને પણ આવી વિનંતી કરી છે. જોકે, વેનેઝુએલાનું તેલ વેપારીઓ સાથે ખાનગી વાતચીત દ્વારા મંગાવવામાં આવશે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભારત વેપાર કરારના ભાગરૂપે રશિયન ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કરવા સંમત થયું છે. જોકે, ભારતે અત્યાર સુધી જાહેરમાં આ દાવા પર સીધો કોઈ જવાબ આપ્યો નથી. ભારતનું કહેવું છે કે તે તેના તેલના સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યું છે અને દેશની ઊર્જા સુરક્ષા તેની સૌથી મોટી પ્રાથમિકતા છે.