વેસ્ટ ઈન્ડિઝે T-20 વર્લ્ડ કપમાં સતત બીજી જીત મેળવી છે. ટીમે ગ્રુપ Cની મેચમાં ઈંગ્લેન્ડને 30 રનથી હરાવ્યું. કેરેબિયન ટીમ આ ટુર્નામેન્ટમાં 10 વર્ષ પછી ઈંગ્લેન્ડને હરાવી શકી છે. તેને છેલ્લી જીત 2016ના વર્લ્ડ કપની ફાઇનલમાં મળી હતી. જ્યારે કાર્લોસ બ્રેથવેટે બેન સ્ટોક્સની છેલ્લી ઓવરમાં સતત 4 છગ્ગા મારીને જીત અપાવી હતી.
બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 197 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ઈંગ્લિશ ટીમ 18.5 ઓવરમાં 166 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. સેમ કરને અણનમ 43 રન બનાવ્યા. જેકબ બેથેલે 33 રન અને ફિલ સોલ્ટે 30 રન બનાવ્યા. ગુડાકેશ મોતીએ 3 વિકેટ ઝડપી. રોસ્ટન ચેઝને બે વિકેટ મળી. અકીલ હુસૈન, રોમારિયો શેફર્ડ અને શમાર જોસેફને એક-એક વિકેટ મળી. 2 બેટર રનઆઉટ થયા.
ટોસ હારીને બેટિંગ કરી રહેલા વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા. શેરફન રધરફોર્ડે 7 છગ્ગા ફટકારીને 76 રન બનાવ્યા. આદિલ રશીદ અને જેમી ઓવરટને 2-2 વિકેટ લીધી. જોફ્રા આર્ચર અને સેમ કરનને એક-એક વિકેટ મળી.