રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા માલાબાર ડાયમંડ એન્ડ જવેલર્સ શોરૂમમાં થોડા દિવસ અગાઉ થયેલ સોનાના ચેઇનની ચોરી કેસમાં એ ડિવિઝન પોલીસે એક આરોપીની પુણેથી ધરપકડ કરી ફરાર ત્રણ મહિલાની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ત્રણ મહિલાઓ સાથે મળી આરોપી અલગ અલગ રાજ્યોમાં કાર ભાડે કરી જતા હતા અને બાદમાં શોરૂમની અંદર ચોરીના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યા છે.
રાજકોટમાં ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ પરત પોતાના વતન પહોંચી ગયા હતા અને સોનાના ચેઇનને વહેંચી દીધો હતો. જેમાં પકડાયેલ આરોપીના ભાગે કુલ રૂ.80,000 આવ્યા હોવાનું સામે આવતા પોલીસે 80,000 રૂપિયા રોકડ આરોપી પાસેથી કબ્જે કરી ફરાર ત્રણ મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ શહેર એસીપી બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ માલાબાર ડાયમંડ એન્ડ જવેલર્સના શોરૂમમાંથી 23 જાન્યુઆરીના રોજ ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ખરીદીના બહાને 4.72 લાખનો સોનાનો ચેઇન 27 ગ્રામનો ચોરી કરી લઈ જતા ફરિયાદ નોંધાઈ હતી. જેમાં CCTV ફુટેજ જોતા એક અજાણી મહિલા ડીસ્પ્લેય ટ્રેમાંથી સોનાનો ચેઇન ચોરી કરતી હતી. જેની સાથે ખરીદી કરવા બહાને અન્ય બે મહિલા એક પુરુષ મળી ચાર લોકો આવ્યા હતાં.