રાજકોટમાં રહેતા અને જૂનાગઢની કનૈયા મીની ઓઈલ મીલનું તેલ સપ્લાયરનો વેપાર કરતા પ્રદીપકુમાર છીત્તસ્વામી પાનસેરીયાએ કુવાડવા પોલીસમાં આજીડેમના માંડાડુંગર પાસે રહેતા ગુણવંત ભુપત મેર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા. 2 નવેમ્બર 2025ના તેને અશ્વિન મોલીયા નામના વ્યકિતએ ફોન કરી સીંગતેલના 50 ડબ્બા મહિકા ગામે તેની દુકાન રાજખોડલ જનરલ સ્ટોરમાં મોકલવાના વાત કરી એક ડબ્બાની કિ.રૂ.2900 નકકી કરી પૈસા રૂબરૂ આપશે તેમ જણાવ્યું હતું. જેથી વેપારીએ તેની ટેમ્પો ભરી ડ્રાઈવર હિમાંશુ સાંદેસરાને 50 ડબ્બા સાથે મોકલ્યો હતો. બાદ ડ્રાઈવરને તેલના ડબ્બા મહિકા ઉતારવાના નથી, પરંતુ કેટરર્સનું કામ રૂડા ટ્રાન્સપોર્ટનગર ખટારાના પાર્કીંગ પાસે નવાગામમાં મોકલવાના છે. ત્યાં 30 ડબ્બા ઉતારી આપજો કહેતા 30 ડબ્બા નવાગામમાં ઉતારી 20 ડબ્બા આજીડેમ ચોકડી પાસે ઉતારવાના છે. ત્યાં ડીલીવરી બાદ પેમેન્ટ કરી આપશે તેમ જણાવ્યું હતું. જેથી ડ્રાઈવર આજીડેમ ચોકડી પાસે પહોંચી જતા શખસે બેંકમાંથી પૈસા ઉપાડી તમને પેમેન્ટ આપી દેવાનું કહી ફોન બંધ કરી દીધો હતો.
મહિકા ગામમાં જઈ તપાસ કરતા આવી કોઈ દુકાન ન હોવાનું જાણવા મળ્યું હતું જેથી નવાગામમાં ડબ્બા ઉતાર્યા બાદ ત્યાંથી રીક્ષામાં ચડાવનાર શિવા માલીકીયાને પૂછતા આ તેલના ડબ્બા તેના મિત્ર ગુણવંત ભુપત મેર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી ગુણવંતે બીજાના નામે તેલના ડબ્બા મંગાવી લઈ રૂ.87 હજાર ન ચુકવી છેતરપીંડી આચરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી ગુણવંત સામે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં છેતરપીંડી, પ્રોહિબિશન સહિત 12 ગુના નોંધાઈ ચુકયા હોવાનું સામે આવ્યું છે.