જસદણના આંબરડીમાં ભત્રીજાની આંખમાં મરચાંની ભૂકી છાંટી કાકાના પરિવારનો હુમલો

જસદણ તાલુકાના આંબરડી ગામે વારસાઈ જમીનના ડખ્ખામાં કાકાના પરિવારે ભત્રીજા પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

સંયુક્ત જમીનમાં થ્રેસર ચલાવવા બાબતે સમજાવવા ગયેલા યુવકની આંખમાં મરચાનો પાવડર નાખી, લોખંડના પાઇપ વડે બેરહેમીથી માર મારી માથું ફોડી નાખવામાં આવ્યું હતું અને હાથ-પગમાં ફ્રેક્ચર કરી દેવાતા ચકચાર મચી ગઈ છે.

આંબરડી ગામના કાંસકોલીયા રોડ પર રહેતા 41 વર્ષીય ખેડૂત દિનેશભાઈ વલ્લભભાઈ ઓતરાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની અને તેમના કાકા હિંમતભાઈની સંયુક્ત વારસાઈ જમીન બાબતે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું છે. ગત તારીખ 7ના રોજ, દિનેશભાઈને જાણવા મળ્યું હતું કે તેમના કાકા હિંમતભાઈ વારસાઈ જમીનમાં થ્રેસર ચલાવી રહ્યા છે.

દિનેશભાઈ જમીનના કાગળો સાથે રાખી પોતાના ભત્રીજા વિવેકને બાઈક પર બેસાડી કાકાને સમજાવવા ગયા હતા. ત્યાં ટ્રેક્ટર બંધ કરવાનું કહેતા જ મામલો બિચક્યો હતો. હિંમતભાઈના પત્ની હેમુબેન અને તેમની દીકરી કાજલબેને ઉશ્કેરાઈને દિનેશભાઈની આંખોમાં મરચાનો પાવડર છાંટી દીધો હતો.

યુવકને આંખમાં બળતરા થતા તે કંઈ જોઈ શકે તે પહેલા જ કાકા હિંમત ઓતરાદી અને પિતરાઈ ભાઈ રાહુલ લોખંડના પાઇપ સાથે ધસી આવ્યા હતા. ચારેય શખ્સોએ ભેગા મળી દિનેશભાઈ પર પાઇપ વડે આડેધડ હુમલો કર્યો હતો.

આ બનાવમાં દિનેશભાઈ ઓતરાદીની ફરિયાદના આધારે જસદણ પોલીસે હિંમત લઘરાભાઈ ઓતરાદી , હેમુબેન હિંમતભાઈ , રાહુલ હિંમતભાઈ અને કાજલબેન હિંમતભાઈ વિરુદ્ધ રાયોટીંગ અને હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. હુમલાખોરોએ પાઇપના ઘા ઝીંકી તેમના ડાબા હાથ અને ડાબા પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું.

આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્તને તાત્કાલિક જસદણ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ત્રણ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *