ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થતંત્રને લઈને લેટેસ્ટ અનુમાન જાહેર કર્યા છે. મૂડીઝ અનુસાર, આગામી નાણાકીય વર્ષ (2026-27)માં ભારતનો GDP 6.4%ના દરે વધી શકે છે.
મૂડીઝે કહ્યું કે આ ગતિ દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓવાળા G20 દેશોના ગ્રુપમાં સૌથી વધુ હશે. એજન્સીએ આ પાછળ મજબૂત ઘરેલું વપરાશ, સરકારના નીતિગત નિર્ણયો અને દેશની સ્થિર બેંકિંગ સિસ્ટમને મુખ્ય કારણ જણાવ્યું.
સરકાર અને RBIના અનુમાન કરતાં આંકડો ઓછો છે
મૂડીઝનું આ અનુમાન ભારત સરકાર અને રિઝર્વ બેંક (RBI)ના અનુમાનની સરખામણીમાં થોડું ઓછું છે. ગયા મહિને સંસદમાં રજૂ થયેલા ઇકોનોમિક સર્વેમાં નાણાકીય વર્ષ 2027 માટે 6.8% થી 7.4% વૃદ્ધિનો અંદાજ જણાવવામાં આવ્યો હતો.
જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પણ તાજેતરમાં તેની મોનેટરી પોલિસી મીટિંગમાં નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિના માટે લગભગ 7% વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરી છે.
ટેક્સમાં ફેરફાર અને GST નિયમોમાં બદલાવથી વપરાશ વધશે
મૂડીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2025માં GSTના નિયમોમાં થયેલા ફેરફારો અને પર્સનલ ઇન્કમ ટેક્સની મર્યાદા વધારવાથી લોકોના ખિસ્સામાં વધુ પૈસા બચશે. તેનાથી બજારમાં માગ વધશે.