એપસ્ટીન ફાઇલ્સમાં ટેસ્લાના માલિક ઇલોન મસ્ક અને મેટાના CEO માર્ક ઝકરબર્ગની તસવીર સામે આવી છે. આ તસવીરમાં સિલિકોન વેલીના મોટા ટેક દિગ્ગજો સાથે ડિનર કરતા જોવા મળી રહ્યા છે.
આમાં પેપાલના કો-ફાઉન્ડર પીટર થીલ અને MIT મીડિયા લેબના પૂર્વ ડિરેક્ટર જોઇ ઇતો પણ દેખાઈ રહ્યા છે. આ ફોટો વર્ષ 2015નો હોવાનું કહેવાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તે જ ડિનર પાર્ટી છે, જેને યૌન અપરાધી જેફ્રી એપસ્ટીને ‘વાઇલ્ડ ડિનર’ કહ્યું હતું. એપસ્ટીને આ તસવીર ઓગસ્ટ 2015માં પોતાને ઇમેઇલ કરી હતી અને તેને ફ્રેમ કરાવીને પોતાના ન્યૂયોર્ક સ્થિત એપાર્ટમેન્ટમાં લગાવી રાખી હતી.
અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 30 જાન્યુઆરીએ એપસ્ટીન ફાઇલ્સના 30 લાખ દસ્તાવેજો સાર્વજનિક કર્યા હતા, ત્યારથી આ મામલે સતત નવા ખુલાસા થઈ રહ્યા છે.
જસ્ટિસ ડિપાર્ટમેન્ટની ફાઈલો અનુસાર, 2 ઓગસ્ટ 2015ના રોજ એપસ્ટીને તેના મિત્ર પીટર એટિયાને ઈમેલ મોકલીને લખ્યું હતું કે તે રાત્રે ઈલન મસ્ક, પીટર થીલ અને માર્ક ઝકરબર્ગ સાથે ડિનર છે. જવાબમાં એટિયાએ લખ્યું હતું કે આ શાનદાર ડિનર લાગી રહ્યું છે.
તેના થોડા દિવસો પછી, 20 ઓગસ્ટ 2015ના રોજ એપસ્ટીને અબજોપતિ ટોમ પ્રિટ્ઝકરને બીજો એક ઈમેલ મોકલ્યો, જેમાં તેણે આ ડિનરને ‘વાઇલ્ડ’ ગણાવ્યું.
ઇલોન મસ્કનું નામ અગાઉ પણ એપસ્ટીન ફાઈલોમાં આવી ચૂક્યું છે. 2012ના એક ઈમેલમાં મસ્કે એપસ્ટીનને પૂછ્યું હતું કે તેના આઇલેન્ડ પર સૌથી ‘વાઇલ્ડ પાર્ટી’ કયા દિવસે હશે. આ મેલ તે પ્રશ્નના જવાબમાં હતો, જેમાં એપસ્ટીને આઇલેન્ડ પર જનારાઓની સંખ્યા પૂછી હતી.
બ્રિટનથી લઈને અમેરિકા સુધી એપસ્ટીન ફાઈલોના નવા ખુલાસાઓ સામે આવ્યા પછી હવે ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે કે દુનિયાના સૌથી શક્તિશાળી અને ધનિક લોકોના એપસ્ટીન સાથેના સંબંધો કેટલા ઊંડા હતા.