નવેમ્બર માસથી રાજ્યભરમાં SIR અંતર્ગત મતદારયાદીની ઘનિષ્ઠ સુધારણાની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે બુધવારે કેન્દ્રીય ચૂંટણીપંચના રોલ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાની SIRની કામગીરીની સમીક્ષા કરી હતી.
સાથે જ આગામી તા.17 ફેબ્રુઆરીએ SIR બાદ તૈયાર થયેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવનાર હોય તા.10 પહેલા હક્કદાવા સહિતની કામગીરી પૂર્ણ કરી લેવા સૂચના આપી હતી. SIR કામગીરીની સમીક્ષામાં ત્રણેય જિલ્લાની કામગીરી રોલ ઓબ્ઝર્વરે સંતોષજનક ગણાવી હતી.
રાજ્યમાં 4 નવેમ્બરથી SIR અંતર્ગત ડોર ટુ ડોર એન્યુમરેશન ફોર્મના વિતરણથી ઘનિષ્ઠ મતદારયાદી સુધારણા બાદ ડિસેમ્બર માસમાં SIR બાદ તૈયાર થયેલી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી હક્કદાવા રજૂ કરવા એક મહિનાનો સમય આપવામાં આવતા રાજકોટ જિલ્લામાં 29 હજારથી વધુ મતદારોએ પોતાના નામ ઉમેરવા અરજી કરી છે. સાથે જ અનમેપ મતદારોનું મેપિંગ પણ ચાલી રહ્યું છે ત્યારે બુધવારે કેન્દ્રીય ચૂંટણીપંચના રોલ ઓબ્ઝર્વર કે.કે.મિશ્રા રાજકોટની મુલાકાતે આવ્યા હતા.
રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની સમીક્ષા કરી હતી અને આગામી તા.10 પહેલા તમામ અરજીનો નિકાલ પૂર્ણ કરવા સૂચના આપી તા.17મીએ SIR બાદ તૈયાર થયેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવા તંત્રને તૈયાર રહેવા સૂચના આપી હતી. SIR કામગીરીને તેમને સંતોષજનક ગણાવી હતી.