આગઝરતી તેજી વચ્ચે 130 કિલો ચાંદીની ચોરી

રાજકોટ શહેરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલ પેડક રોડ પર ચંપકનગર શેરી નંબર-1માં રહેણાંક મકાનમાંથી 1.62 કરોડ કિંમતના 130 કિલોથી વધુ ચાંદીના ઘરેણાં ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરીના બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન વન ટીમ તેમજ ઇન્ચાર્જ સીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા રાત્રીના 2થી 2.30 વાગ્યા આસપાસ ત્રણ જેટલા શખ્સો આવી ચોરીને અંજામ આપી કારમા ઘરેણાં ભરી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કોઈ જાણભેદુ હોવાની શંકા આધાર પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘરના ઉપરના માળે રહેતા પરિવારને પણ પોલીસ સ્ટેશન લઇ જઈ પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઈને વેપારીના પરિચિતના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાતના 2થી 2.30 વાગ્યા આસપાસ ફોર વ્હીલમાં ત્રણ જેટલા તસ્કરોએ આવીને 1 કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયાનું સામે આવ્યું છે. ચોરીની જાણ થતાં જ અતુલભાઈ પટેલે તાત્કાલિક ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી, જે બાદ પોલીસની ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *