રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયા વિસ્તારમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ હરિયાણા સુધી એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે, જે સમુદ્ર સપાટીથી અંદાજે 0.9 કિમીની ઊંચાઈ પર સ્થિત છે. આ સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
હાલમાં માછીમારો માટે કોઈ ચેતવણી નહિ આ ઉપરાંત, ઉત્તર પાકિસ્તાન ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, પરંતુ તેની રાજ્યના હવામાન પર કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી. જ્યારે આગામી 7 દિવસની આગાહી મુજબ, સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેશે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો કે મહત્વપૂર્ણ ફેરફાર થવાની સંભાવના નથી. દરિયાકાંઠાના વિસ્તારો માટે હવામાન વિભાગે જણાવ્યું છે, કે હાલમાં માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જોકે, ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પવનો 15થી 20 નોટની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત એ. ટી. દેસાઈના જણાવ્યા અનુસાર, આજે રાતથી રાજ્યમાં લગભગ 3 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો બદલાવ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજ રાતથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.