18 વોર્ડમાં 4,000 કર્મચારી મેદાનમાં ઉતરશે, નવા ભળેલા વિસ્તારોને કારણે વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા

રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી એપ્રિલ માસના બીજા સપ્તાહથી શહેરના તમામ 18 વોર્ડમાં વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રક્રિયાને સુચારૂ રૂપે પાર પાડવા માટે તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સંબંધિત સ્ટાફની તાલીમ પણ શરૂ કરી દેવામાં આવી છે. વર્ષ 2011 બાદ લાંબા સમય પછી યોજાનારી આ વસ્તી ગણતરીમાં રાજકોટ શહેરના ભૌગોલિક વિસ્તારમાં થયેલા વધારાને કારણે વસ્તીનો કુલ આંકડો 20 લાખને વટાવી જાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.

ચૂંટણી શાખાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, અગાઉ 2020માં વસ્તી ગણતરી કરવાની હતી, પરંતુ કોરોનાને કારણે કામગીરી થઈ નથી. જોકે હાલમાં સરકાર દ્વારા વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વસ્તી ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે. જેનો પ્રથમ તબક્કો એપ્રિલ 2026થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ સમય દરમિયાન ‘હાઉસ લિસ્ટિંગ’ એટલે કે મકાનોની યાદી તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે. આ તબક્કામાં દરેક એરિયા અને વોર્ડના નકશા તૈયાર કરી, ઘરદીઠ પ્રાથમિક વિગતો એકત્રિત કરવામાં આવશે.

બીજા તબક્કામાં વસ્તીની વાસ્તવિક ગણતરી થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાઉસ લિસ્ટિંગ તબક્કો પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ થશે, જેમાં સત્તાવાર રીતે ‘પોપ્યુલેશન એન્યુમરેશન’ એટલે વસ્તીની વાસ્તવિક ગણતરી કરવામાં આવશે. આ તબક્કામાં ઘરના નંબરના આધારે દરેક વ્યક્તિની વિગતવાર માહિતી મેળવવામાં આવશે. જેમાં નવા જન્મ થયા હોય તેમજ કોઈના મૃત્યુ થયા હોય તે તમામ માહિતી આવરી લેવામાં આવશે. ગણતરીના અંતિમ ચરણમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં રખડતા-ભટકતા અને ઘરવિહોણા લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે, જેથી શહેરની વસ્તીનો સાચો આંકડો સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *