રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને મિલકતોના નિકાલની પ્રક્રિયાના ભાગરૂપે આજે એક મહત્વપૂર્ણ હરરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મવડી વિસ્તારનાં નવનિર્મિત લાલુભાઈ પારેખ ટાઉનશીપ શોપિંગ સેન્ટરની 10 દુકાનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી. 10 દુકાનોની રૂ. 1.85 કરોડ અપસેટ પ્રાઇઝ સામે રૂ. 2.96 કરોડની બોલી લાગી હતી જેમાં મનપાને બેઝ પ્રાઈઝ કરતા રૂ. 1.11 કરોડની વધુ આવક થઈ હતી.
મનપાનાં એસ્ટેટ વિભાગના અધિકારી મેહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરની તમામ 10 દુકાનો માટે કુલ અપસેટ પ્રાઇઝ રૂ. 1,85,30,000 નક્કી કરવામાં આવી હતી. જોકે વિકાસશીલ મવડી વિસ્તારમાં વ્યાપારી હેતુ માટેની આ મિલકતો મેળવવા માટે હરાજીમાં ભારે રસાકસી જોવા મળી હતી. વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો અને સંભવિત ખરીદદારો હરાજીના સ્થળે ઉમટી પડ્યા હતા. પારદર્શક રીતે હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયામાં એક પછી એક દુકાનો માટે ઊંચી બોલીઓ બોલાવવાની શરૂઆત થઈ હતી. તમામ દુકાનો વેચાતા મનપાને કુલ રૂ. 2,96,30,000ની આવક થઈ હતી, જે દુકાનોની અપસેટ પ્રાઇઝ કરતા રૂ. 1,11,00,000 જેટલી વધારે છે.