રાજકોટ સ્થિત સરકારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે PHD થવું મોંઘુ બન્યુ છે કારણ કે, અહીં PHDની ફીમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. જેનો માર રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અહીં PHD કરવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પડશે. જેને લઈને આજે ABVPના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં ફી વધારો પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. જે દરમિયાન કુલપતિની ચેમ્બરમાં રહેલા સ્ટાફને બહાર કાઢી લાઇટો બંધ કરી દેવામાં આવી હતી.
યુનિવર્સિટી દ્વારા અગાઉ ટર્મ ફી લેવામાં આવતી ન હતી પરંતુ, હવે તે દાખલ કરવામાં આવી છે. જેમાં સાયન્સ, ફાર્મસી, હોમ સાયન્સ અને મેડિકલ ફેકલ્ટીમાં રૂ.4600 ટર્મ ફી રાખવામાં આવી છે જ્યારે અન્ય ફેકલ્ટીમાં ફી રૂ.3600 રાખવામાં આવી છે. આ સિવાય લાઇબ્રેરી ફી રૂ.350 હતી. તે રૂ.500 કરી દેવામાં આવી છે. જ્યારે UGCના રેગ્યુલેશન મુજબ 2 વર્ષમાં PHD પૂર્ણ ન થાય તો વિદ્યાર્થીએ વધારાની રૂ.3000 ફી ભરવાની રહેશે.