રાજકોટનાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ધમાકો કહી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 7 કિંમતી પ્લોટના વેચાણ માટે ઓનલાઈન હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે આ હરાજીમાં તંત્રની ગણતરીઓ મુજબ પ્રતિસાદ સાંપડ્યો નથી, પરંતુ અમીન માર્ગ અને 150 ફૂટ રિંગ રોડના કોર્નર ઉપર આવેલા મોકાના પ્લોટ માટે ભારે ખેંચતાણ જોવા મળી હતી. આ પ્લોટ માટે મનપાએ પ્રતિ ચોરસ મીટર 2,00,000 ની અપસેટ કિંમત નક્કી કરી હતી, જેની સામે ચાર અગ્રણી બિલ્ડરોએ રસ દાખવ્યો હતો.
અંતે પ્રાઈડ કન્સ્ટ્રક્શન દ્વારા સૌથી ઊંચી બોલી 2,27,600 પ્રતિ ચોરસ મીટર બોલવામાં આવતા આ પ્લોટ તેમના નામે થયો છે. કુલ 4669 ચોરસ મીટરનાં એક પ્લોટના વેચાણથી મહાનગરપાલિકાની તિજોરીમાં રૂ.106,26,64,400ની માતબર આવક થશે. જોકે અન્ય પ્લોટ માટે બિલ્ડરો નિરસ રહ્યા હતા.
અત્યારે માત્ર 106 કરોડની જ આવક નિશ્ચિત થઈ રાજકોટ મહાપાલિકાએ રૈયા રોડ, મવડી, એચસીજી હોસ્પિટલ રોડ, મોરબી રોડ અને રેલનગર સહિતના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા 7 પ્લોટ હરાજીમાં મુક્યા હતા, પરંતુ અમીન માર્ગ સિવાયનાં પ્લોટમાં કોઈ પાર્ટીએ રસ દાખવ્યો નથી. તંત્રને 7 પ્લોટના વેચાણની અંદાજે 360 કરોડની આવક થવાની આશા હતી. જેની સામે અત્યારે માત્ર 106 કરોડની જ આવક નિશ્ચિત થઈ છે. આ પ્લોટ્સ માટે અગાઉ પણ પૂરતી સંખ્યામાં બિડર્સ ન આવતા હરાજીની તારીખ લંબાવવામાં આવી હતી, છતાં પરિણામ અપેક્ષા મુજબનું રહ્યું નથી.