પોલીસ સ્ટેશન પર હુમલો કરી આરોપીઓ દીવ નાસી ગયા’તા

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર સોડા બોટલના ઘા કરી ભય ફેલાવવા પ્રયાસ કરનાર 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગઈકાલે પાંચેય આરોપીઓને ઝડપી પાડી વારંવાર આતંક મચાવતા હતા તે એસ.કે ચોકમાં લઇ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. આ સમયે આરોપીઓ કુકડાની ચાલ ચાલી ‘પોલીસ અમારા બાપ છે, પોલીસ અમારા દાદા છે’ના નારા લગાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આરોપીઓ પૈકી મુખ્ય આરોપી અજય ઉર્ફે સદ્દામ વિરુદ્ધ 17 અને જેનીસ ઉર્ફે માજન વિરુદ્ધ 8 ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા તેનો ખાર રાખી પોલીસ પ્રત્યે રોષ રાખી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

શહેર પશ્ચિમ વિભાગના ઇન્ચાર્જ ACP ભાવેશ જાધવે જણાવ્યું હતું કે, ગત તારીખ 16 જાન્યુઆરીના રોજ રાત્રીના 10.30 વાગ્યા આસપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર અજાણ્યા શખસો દ્વારા સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતા. જેથી, CCTV અને સોર્સીસની મદદથી તપાસ શરૂ કરી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધી તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે મળેલ સૂચના આધારે અલગ-અલગ ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં અજય ઉર્ફે સદ્દામ મહેતા, વિશાલ ગોહિલ, જેનીશ ઉર્ફે માજન માંડલિયા, જય ખાંભરા અને કરણ પરમારનો સમાવેશ થાય છે. જયારે આ ઉપરાંત તેમની સાથે અન્ય એક શખ્સની પણ સંડોવણી હોવાનું સામે આવતા તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *