હિંદુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ સુધરવાને બદલે તેણે ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી છે. સુરતમાં મિત્રને જ ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી 7 લાખની કાર પડાવી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુસુફને UPથી ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસના જણાવ્યા અનુસાર, કમલેશ તિવારી હત્યા કેસ જેવો ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવા છતાં, યુસુફ પઠાણ સતત અસામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યો છે. ખંડણી અને સાયબર ફ્રોડની ઘટનામાં પણ તે શામેલ છે. તેણે જેલમાંથી બહાર આવીને પોતાની ગેંગ શરૂ રાખી છે.
યુસુફે મિત્રને ચપ્પુ બતાવી ક્રેટા કાર પડાવી લીધી તાજેતરમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, યુસુફ પઠાણે પોતાના જ પરિચિત મોહંમદ ઇકબાલ પાસેથી બળજબરીથી 7 લાખ રૂપિયાની ક્રેટા કાર પડાવી લીધી હતી. ફરિયાદી ઇકબાલ વેલ્ડિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેણે ધંધાના કામ માટે લોન પર કાર ખરીદી હતી. જૂન, 2025માં યુસુફે ઇકબાલને ચપ્પુ બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની કાર અને ત્યારબાદ તેની આરસી બુક પણ પડાવી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે કારના હપ્તા હજુ પણ ફરિયાદી ભરી રહ્યો છે, જ્યારે કુખ્યાત યુસુફ તે કારમાં બિન્દાસ ફરી રહ્યો હતો.
પોલીસે ઇકબાલની ફરિયાદના આધારે યુસુફ ખાન ઇશરત ખાન પઠાણ સામે ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે. યુસુફે માત્ર 1 કાર જ નહોતી પડાવી, પરંતુ ફરિયાદીને સતત ધમકાવીને તેને પોલીસ પાસે જતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની કડક પૂછપરછમાં યુસુફની તમામ શિખામણો ઓગળી ગઈ હતી અને હવે તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. પોલીસ હાલમાં એ પણ તપાસી રહી છે કે, તેણે અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે મિલકતો પડાવી છે.