વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનનો ટ્રેડ સરપ્લસ 2025માં રેકોર્ડ 1.19 ટ્રિલિયન ડોલર (લગભગ ₹100 લાખ કરોડ)ને પાર પહોંચી ગયો છે. આ 2024ની સરખામણીમાં 20% વધુ છે. મોંઘવારીને એડજસ્ટ કર્યા પછી પણ, આ વિશ્વના કોઈપણ દેશ દ્વારા નોંધાયેલ અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રેડ સરપ્લસ છે.
ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સના ડેટા અનુસાર, માત્ર ડિસેમ્બર મહિનામાં જ ચીને 114.14 બિલિયન ડોલર (લગભગ 10.31 લાખ કરોડ રૂપિયા)નો સરપ્લસ કમાવ્યો. આ ચીનના ઇતિહાસનો ત્રીજો સૌથી સફળ મહિનો રહ્યો. નિકાસ અને આયાત વચ્ચેના તફાવતને ટ્રેડ સરપ્લસ કહેવાય છે.
અન્ય દેશોના માર્ગે અમેરિકા પહોંચી રહ્યો છે ચીની સામાન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 30% ટેરિફ લગાવ્યો હતો. આનાથી અમેરિકા સાથે ચીનનો સીધો વેપાર તો ઘટ્યો, પરંતુ ચીની કંપનીઓએ તેનો તોડ શોધી કાઢ્યો. ચીની ફેક્ટરીઓએ દક્ષિણ-પૂર્વ એશિયા અને અન્ય પ્રદેશો દ્વારા અમેરિકામાં સામાન રૂટ કર્યો.
વિદેશી સામાનની આયાત સતત ઘટાડી રહ્યું છે ચીન
ચીનની સરકાર ‘આત્મનિર્ભરતા’ની નીતિ પર ચાલી રહી છે, જેનો ઉદ્દેશ્ય ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ઓક્ટોબરમાં જાહેર કરાયેલા 2030 સુધીના પાંચ વર્ષના આર્થિક પ્લાનમાં પણ આ જ આત્મનિર્ભરતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ચીને 1993 પછી ક્યારેય વેપાર ખાધનો સામનો કર્યો નથી.