રાજકોટમાં વર્ષ 2026માં સ્પેશિયલ હોમ ફોર બોયઝ અને ગર્લ્સની સાથે ડેપ્યુટી કલેક્ટર ક્વાર્ટરની ભેટ મળવા જઈ રહી છે. શહેરના જામનગર રોડ ઉપર 68 વર્ષ જૂનું સ્પેશિયલ હોમ ફોર બોયઝ તોડી રૂ.7.36 કરોડના ખર્ચે 100 વિદ્યાર્થીઓની કેપેસિટીવાળું નવું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે. જ્યારે ભક્તિનગર સર્કલ પાસે રૂ.6.75 કરોડના ખર્ચે સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સનું બિલ્ડીંગ પણ બની રહ્યું છે. આ સાથે જ શહેરના રાજમાર્ગ ગણાતા યુનિવર્સિટી રોડ ઉપર ડેપ્યુટી કલેક્ટર માટે રૂ.6.34 કરોડના ખર્ચે ક્વાર્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
ચિલ્ડ્રન હોમના સુપ્રિટેન્ડેન્ટ રોહિત પીપરીયાએ જણાવ્યું હતું કે, હાલના સ્પેશિયલ હોમ ફોર બોયઝનું નિર્માણ વર્ષ 1957માં થયું હતું. જોકે હાલ બિલ્ડીંગ જૂનું થઈ ગયું હોવાથી નવનિયુક્ત બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે. હાલ ચિલ્ડ્રન હોમમાં નિરાધાર અને અનાથ બાળકો કે જેઓને કાળજી અને રક્ષણની જરૂરિયાત છે તેવા શહેરના 33 બાળકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. અહીં બાળકોને ભોજન અને રહેઠાણની સુવિધા આપવામાં આવે છે. અહીં 6થી 18 વર્ષના બાળકો છે કે, જો ધોરણ 1થી 8માં નજીકની શાળા નંબર 44માં અભ્યાસ કરી રહ્યા છે. જોકે નવું બિલ્ડીંગ બનતા બાળકોની સુવિધામાં વધારો થશે. અહીં બાળકો માટે પ્રોબેશન ઓફિસર, શિક્ષક અને કાઉન્સિલર ફરજ બજાવી રહ્યા છે.