રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કણકોટ પાસે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે ટેન્ડર અગાઉ મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે હવે મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ભળેલા વિસ્તારોને નિયમિત 20 મિનિટ પાણી વિતરણ કરવા અને આગામી 20 વર્ષનું આગોતરૂ આયોજન કરવા માટે આજીડેમ પાસે 75 MLD પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટથી રાજકોટમાં નવા ભળેલા કોઠારીયા, વાવડી, લાલપરી, રાંદરડા, સહિતના વિસ્તારોમાં રહેતા લાખો લોકોને નિયમિત પાણી આપી શકાશે. આ નવા ફિલ્ટર પ્લાન્ટ સહિત, લાલપરી તળાવ બ્યુટીફીકેશન તેમજ નવી લાયબ્રેરી બનાવવા સહિત રૂ. 210 કરોડથી વધુના વિકાસ કામોની 63 દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં લીલીઝંડી આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ મહાનગરપાલિકા હસ્તકના અનેક ફિલ્ટર પ્લાન્ટ જુનાં અને જોખમી બની ગયાં છે. શહેરની વધતી વસ્તી અને વિસ્તારો પ્રમાણમાં વર્તમાન ફિલ્ટર પ્લાન્ટ પુરી ક્ષમતાથી ચાલી શકે તેમ નથી. આજી-1ડેમ પાસે આવેલો હયાત 45 MLDનો ફિલ્ટર પ્લાન્ટ 1958માં બનેલો છે અને હવે તેની આવરદા પૂરી થઈ ગઈ છે. આ જોખમી ફિલ્ટર પ્લાન્ટ તોડીને નવો 75 MLDનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે પાંચ વર્ષના મેન્ટેનન્સ સાથે રૂ. 60 કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. આ ફિલ્ટર પ્લાન્ટ બન્યા બાદ તેમાં કુલ 65 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે. જેમાંથી મનપામાં નવા ભળેલા કોઠારીયા, વાવડી, લાલપરી રાંદરડા અને ભવિષ્યમાં નવા ભળી શકે તેવા નવાગામ અને આસપાસના વિસ્તારોને નિયમિત રીતે 20 મિનિટ પાણી વિતરણ કરી શકાશે.