રાજકોટની પરિણીતાની અમદાવાદના શખસે ઈન્સ્ટાગ્રામમાં પજવણી કરી

રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતાને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી, અલગ અલગ આઇડીમાંથી ગાળો ભાંડી અમદાવાદના શખ્સે પજવણી કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી પંકજ વાઘેરા નામના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરિણીતાને બે આઈડીથી મેસેજ કરી પરેશાન કરી બનાવ અંગે થોરાળા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કબીર 510 અને પંકજ વઘેરા નામની બે ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારકનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.12.10.2025ના રોજ ઇન્સ્ટાગ્રામ આઇડી પર સામાવાળાએ મેસેજ કર્યો હતો જે મેસેજનો પરિણીતાએ જવાબ નહિ આપતાં સામાવાળાએ સતત મેસેજ કરવાનું ચાલુ રાખતા પરિણીતાએ મેસેજ નહિ કરવાનું જણાવ્યું હતું. જે બાદ ઉશ્કેરાયેલા શખ્સે ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મેસેજ કરી પરિણીતાને બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું જેથી પરિણીતાએ આ ઇન્સ્ટાગ્રામ આઇડીને બ્લોક કરી દેતા અન્ય ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી મેસેજ કરી ગાળો આપી હતી.

પરિણીતાના પતિએ મૂકેલી સ્ટોરી પર આરોપીએ અશ્લીલ કોમેન્ટ કરી આ પછી પરિણીતાના પતિએ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મુકતા તે સ્ટોરીમાં પણ આરોપીએ અશ્લીલ કોમેન્ટ કરી પરિણીતાની જાતીય સતામણી કરી પ્રતિષ્ઠાને હાની પહોંચાડતા અંતે પરિણીતાએ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ શરૂ કરતા ઇન્સ્ટાગ્રામ આઇડીમાં મેસેજ કરી જાતીય સતામણી કરતો શખ્સ પંકજ વઘેરા અમદાવાદનો વતની હોવાનું જાણવા મળ્યું હતું જેની અટકાયત કરી પોલોસએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આરોપીની પુછપરછ કરતા તેને ઇન્સ્ટાગ્રામમાં પરિણીતાની પ્રોફાઈલ જોઈ મિત્રતા કેળવવા મેસેજ કર્યા હતા પરંતુ પરિણીતાએ કોઈ પ્રતિક્રિયા નહિ આપતાં ઉશ્કેરાટમાં કૃત્ય આચર્યાનું પોલીસ સમક્ષ રટણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *