ગાંધીનગર બાદ રાજકોટમાં પણ પાણીજન્ય રોગચાળો વકરે તેવી દહેશત જોવા મળી રહી છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. છેલ્લા ચાર દિવસમાં રાજકોટ શહેરમાં ટાઈફોઈડનો માત્ર 1 કેસ નોંધાયો છે. જોકે, આ પહેલાં વર્ષ 2025માં પાણીજન્ય ટાઈફોઈડના 99 કેસ અને જોખમી કમળાના 152 કેસ સામે આવ્યા હતા. જેને લઇને મનપા દ્વારા પાણીના જગ વેચતા વેપારીઓને ત્યાં તપાસ કરી ગેરકાયદેસર જગ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે 555 સ્થળેથી પાણીના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. પાણીજન્ય રોગચાળાથી બચવા લોકોને ઉકાળેલું પાણી પીવાની અપીલ કરવામાં આવી છે. વર્ષ 2025માં વિવિધ રોગના કુલ 89,299 દર્દીઓ એટલે કે રોજના 244 દર્દીઓ નોંધાયા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 2025માં શરદી-ઉધરસના, સામાન્ય તાવ, ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા મળીને વિવિધ રોગના કુલ 89,299 જેટલા દર્દીઓ નોંધાયા હતા. ખાસ કરીને પાણીજન્ય ઝાડા-ઉલટી, ટાઈફોઈડ અને કમળાનો રોગચાળો વકરે નહીં તેના માટે તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.