રાજકોટમાં મનપાનાં અનેક પ્રયાસો છતાં મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. રોગચાળાનો કહેર સતત યથાવત રહેતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સતત ચોથા સપ્તાહે પણ ડેંગ્યુનાં સૌથી વધુ 11 તેમજ મેલેરિયાના વધુ 2 કેસ નોંધાયા છે. એટલું જ નહીં, આ સપ્તાહે ચિકનગુનિયાના પણ 4 કેસ નોંધાયા છે. સાથે શરદી-ઉધરસ-તાવના 747 ઉપરાંત ઝાડા-ઉલટીનાં વધુ 175 અને ટાઈફોડ તાવના પણ 2 સહિત કુલ 941 કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે અને પોરાનાશક તેમજ ફોગીંગની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. તેમજ વિવિધ રોગોના મનપાનાં ચોપડે 941 કેસ નોંધાઈ ચુક્યા છે. જોકે અન્ય ખાનગી હોસ્પિટલ તેમજ નાના-મોટા ક્લિનિકમાં નોંધાતા દર્દીઓની સંખ્યા જોઈએ તો માત્ર એક જ સપ્તાહમાં ત્રણેક હજાર દર્દી સામે આવ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે. અને રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. તેમજ લોકોને પણ સાવચેતી રાખવા અને બહારનો ખોરાક નહીં લેવાની સૂચના આપવામાં આવી રહી છે.