રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી શિવશક્તિ કોલોનીમાં રહેતા અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા કમલશેભાઇ મકવાણા (ઉં.વ.45) ગઈકાલે સાંજે બાઈક પર મિત્ર સાથે આટો મારવા નીકળ્યા હતા. ત્યારે રોયલ પાર્ક પાસે એકાએક ઢળી પડ્યા હતા. જે બાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા તબીબ જીવ બચાવી શક્યા નહોતા. 10 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. યુવકના અણધાર્યા મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
રજા હોવાથી મિત્ર સાથે ફરવા નીકળ્યા
રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાની ઘટનાઓ સતત વધી રહી છે. તેમાં પણ યુવાનોમાં હૃદયરોગના હુમલાનો સિલસિલો વધતો જોવા મળી રહ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને શહેરના નામાંકિત હાર્ટ સર્જનો સાથે કામ કરી ચૂકેલા કેથલેબ કર્મચારીનું જ હૃદયરોગના હુમલામાં મોત થયું છે. યુવક તેના મિત્ર સાથે ગઈકાલે આંટો મારવા નીકળ્યો હતો. ત્યારે અચાનક બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ તેનો જીવ તબીબો બચાવી શક્યા ન હતા.