મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2026 માટે તેની ઇન્ટર્નશિપ યોજના જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમ ખાસ કરીને શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ દેશના નાના અને ઓછા વિકસિત પ્રદેશોમાંથી આવતી મહિલાઓને સરકારી યોજનાઓને નજીકથી સમજવાનો અને નીતિ-નિર્માણ પ્રક્રિયાનો ભાગ બનવાનો મોકો આપવાનો છે. આ માટેની અરજી પ્રક્રિયા હાલમાં ચાલુ છે. ઈચ્છુક અને યોગ્ય મહિલાઓ 10 ડિસેમ્બર, 2025 સુધીમાં અરજી જમા કરાવી શકે છે.
પસંદગી પામેલા ઉમેદવારોને રૂ.20,000 માસિક સ્ટાઇપેન્ડ (વજીફો) આપવામાં આવશે, જેથી તેઓ આર્થિક તણાવ વિના કાર્યક્રમમાં ભાગ લઈ શકે. આ ઉપરાંત તેમનો પ્રવાસ ખર્ચ મંત્રાલય દ્વારા પરત કરવામાં આવશે. ઇન્ટર્નશિપ દરમિયાન દિલ્હીમાં રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આનાથી બહારથી આવનારી મહિલાઓને રહેવા સંબંધિત કોઈ મુશ્કેલી નહીં પડે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, જે મહિલાઓ ફેબ્રુઆરી–માર્ચ 2026ની બેચમાં પસંદગી પામશે, તે ભવિષ્યમાં આ કાર્યક્રમની અન્ય કોઈ બેચ માટે ફરીથી અરજી કરી શકશે નહીં. આનો ઉદ્દેશ એ છે કે, દર વર્ષે નવી પ્રતિભાઓને તક મળી શકે.
કોના માટે તક : વિદ્યાર્થિની, શિક્ષિકા, સંશોધિકા સહિતની મહિલા જોડાઈ શકે છે આ યોજના એવી મહિલાઓ માટે છે જેમની ઉંમર 21થી 40 વર્ષની વચ્ચે છે. તેમાં વિદ્યાર્થિનીઓ, સંશોધિકાઓ, શિક્ષિકાઓ અને સામાજિક કાર્ય સાથે જોડાયેલી મહિલાઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ફક્ત બિન-ટિયર-I શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ જ આ યોજના હેઠળ અરજી કરવા માટે પાત્ર છે. તેનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે નાના શહેરો અને ગામડાંઓની પ્રતિભાશાળી મહિલાઓ પણ આવી તકો સુધી પહોંચી શકે, જે સામાન્ય રીતે મોટા શહેરોની મહિલાઓને સહેલાઈથી મળી જાય છે.