સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ આગામી તા.25 ડિસેમ્બરના રોજ નાતાલના દિવસે કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે યોજાશે. આ સમારોહ રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાજાને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પદવીદાન સમારોહમાં 16 વિદ્યાશાખાના કુલ 43,900 જેટલા દીક્ષાર્થીને તેમની પદવીઓ એનાયત કરવામાં આવશે. રાજ્યપાલના હસ્તે 72 તેજસ્વી વિદ્યાર્થીને 175 ગોલ્ડ મેડલ અને 270 પ્રાઈઝ સહિત કુલ 445 પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વખતે પણ ગોલ્ડ મેડલ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓમાં દીકરીઓએ ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. કુલ 72 ગોલ્ડ મેડલ વિજેતાઓમાં 56 દીકરી છે, જ્યારે દીકરાની સંખ્યા માત્ર 16 જ છે.
આ વર્ષે યુનિવર્સિટી 60મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે અને યોગાનુયોગ 60મો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. કુલ 16 વિદ્યાશાખાના 72 તેજસ્વી વિદ્યાર્થીને 175 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. આ પૈકી મેડિસિન વિદ્યાશાખામાં સૌથી વધુ 79 ગોલ્ડ મેડલ એનાયત કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો આવવાના હોય યુનિવર્સિટી દ્વારા આયોજન માટે જુદી જુદી કમિટીઓ પણ બનાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ સ્થળ પર ડિગ્રી લેવા ઈચ્છતા હોય તેમને ત્યાં જ ડિગ્રી આપવામાં આવશે. નવા શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં પહેલીવાર આ પદવીદાન સમારોહ યોજાશે. પદવીદાન સમારોહને આડે હવે એક મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે યુનિ.ના સત્તાધિશોએ આ કાર્યક્રમની તૈયારીઓ માટે જૂદી-જૂદી કમિટીઓ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. વિદ્યાર્થીઓ ડિગ્રી માટે ઓનલાઇન અરજી કરી શકશે.