રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારની ‘Tall Building Policy’ હેઠળ એક ઐતિહાસિક નિર્ણય લેતા સૌરાષ્ટ્રની અત્યાર સુધીની સૌથી ઊંચી, 145.15 મીટર (લગભગ 476 ફૂટ) ઊંચી ગગનચુંબી ઇમારત ‘સ્કાયલાઇન’ ને મંજૂરી આપી છે, જે રાજકોટના અર્બન લેન્ડસ્કેપને મેટ્રોપોલિટન સ્તરે લઈ જઈને વિકાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કરશે. મવડી વિસ્તારમાં પરસાણા ચોક, નવા રીંગરોડ પાસે નિર્માણ પામનાર આ 38 માળના ‘સ્કાયલાઇન’ પ્રોજેક્ટમાં 136 આલીશાન મકાનો અને 12 પ્રીમિયમ દુકાનો હશે.
4 RLK (રૂમ, લિવિંગ, કિચન)સ્કીમમાં હોમ થિયેટર, સર્વન્ટ રૂમ સહિત 39 એમિનિટીસ અને દરેક ફ્લેટની 2 પર્સનલ લિફ્ટ અને ત્રણ કોમન લિફ્ટ આપવામાં આવશે. જેને Sat Developers અને આર્કિટેક્ટ ભાવેશ પટેલની ટીમે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચતમ સલામતી ધોરણો સાથે ‘ઓલ ઇન વન’ મોડેલ તરીકે વિકસાવવાની યોજના બનાવી છે.
રાજકોટની ગગનચુંબી ઇમારત માત્ર સૌરાષ્ટ્રની પ્રથમ ‘સ્કાયલાઇન’ જ નહીં, પરંતુ ભવિષ્યમાં શહેરમાં ઊભરતા આકાશી વિકાસ માટે પ્રેરક તબક્કો સાબિત થશે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, ઇમારતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ ડિઝાઇન, ફાયર સેફ્ટીના ઉચ્ચતમ નોર્મ્સ, ગ્રીન બિલ્ડિંગ સિસ્ટમ્સ, પુષ્કળ પાર્કિંગની સુવિધા, અને અન્ય આરામદાયક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ રાજકોટને વિકાસશીલ અને આધુનિક શહેર તરીકેની તેની ઓળખને વધુ મજબૂત બનાવશે.