રાજકોટ શહેર-જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ(SIR)ની કામગીરી ચાલી રહી છે અને ગત રવિવાર સુધીમાં જિલ્લામાં માત્ર 57.05 ટકા જ કામગીરી પૂર્ણ થઇ હતી જેમાં 3 દિવસમાં 19.6 ટકાનો આશ્ચર્યજનક વધારો થયો છે અને 76.6 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. 3 દિવસમાં 4,52,505 મતદાર ફોર્મ ડિજિટાઇઝેશન થઇ જતા અનેક સવાલો ઉઠ્યા છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રે જાહેર કરેલા આંકડા મુજબ ગત સોમવાર સુધીમાં કુલ મતદાર 23,91,027માંથી 13,64,163 મતદારના ફોર્મનું ડિજિટાઇઝેશન થઇ ગયું હતું. જ્યારે બુધવાર સુધીમાં હવે 18,18,668 મતદારના મતદાર ફોર્મનું ડિજિટાઇઝેશન થઇ ગયાનું જાહેર કરાયું છે. જે 76.6 ટકા કામગીરી પૂર્ણ થયાનું બતાવે છે.
સૌથી વધુ કામગીરી જસદણ તાલુકામાં 90.98 ટકા થઇ છે. જસદણ તાલુકામાં 268531 મતદારમાંથી 244322 મતદારના મતદાર ફોર્મનું ડિજિટાઇઝેશન થઇ ગયું છે જ્યારે સૌથી ઓછી કામગીરી રાજકોટ પૂર્વમાં 68.30 ટકા થઇ છે. રાજકોટ પૂર્વમાં 308791 મતદારમાંથી 210906 મતદારના મતદાર ફોર્મનું ડિજિટાઇઝેશન થયું છે.