CCDC-IQACના ડિરેક્ટરની જાહેરાતમાં ‘ઘપલા’: હંગામી જગ્યાનો ઉલ્લેખ ન કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીસીડીસી અને આઇક્યુએસીમાં ડિરેક્ટરની પોસ્ટ પર સિનિયર અને અનુભવી પ્રોફેસરો અરજી ન કરી શકે અને લાગતા-વળગતાને ભરી શકાય તે માટે કુલપતિ સહિતના સત્તાધીશોએ યુજીસીના નિયમોની ઉપરવટ જઇને 50 વર્ષની વયમર્યાદાનો ખેલ નાખ્યાના કારસ્તાનનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યા બાદ હવે આ બન્ને પોસ્ટને રાજ્ય સરકારે હંગામી મંજૂરી આપ્યાનું અને તેનો જાહેરાતમાં કોઇ કારણોસર ઉલ્લેખ ન કરાયાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. ત્યારે જાહેરાતમાં હંગામી પોસ્ટની માહિતી છુપાવવા પાછળ પણ મોટું રાજકારણ હોવાનું બહાર આવ્યું છે અને તેમાં સિલેક્ટ થયેલો ઉમેદવાર ભવિષ્યમાં કાનૂની જંગ ખેલીને કાયમી થઇ શકે તે માટે આ બન્ને પોસ્ટની જાહેરાતમાં હંગામી ભરતીની માહિતી લખવામાં આવી નથી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી માટે ગત તા.6-11-2025ના રોજ જાહેરાત આપવામાં આવી હતી અને જેમાં ડિરેક્ટર આઇક્યુએસી અને ડિરેક્ટર સીસીડીસીની બે જગ્યા પર ભરતી કરવા રાજ્ય સરકારે 3 વર્ષ માટે હંગામી ભરતી કરવાની મંજૂરી આપી હોવા છતાં આ મુદ્દો પણ જાણીજોઇને છુપાવાયાનું ચિત્ર ઉપસ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિક્રૂટમેન્ટ બોર્ડના સદસ્યો દ્વારા જ યુજીસીની ગાઇડલાઇન અને નીતિ-નિયમોનો ઉલાળિયો કરી ભરતીની આવશ્યક લાયકાત અને વયમર્યાદામાં મોટા ચેડાં કરાયા છે અને આટલું ઓછું હોય તેમ આ જગ્યા પર લાગતા-વળગતાની ભરતી થઇ જાય ત્યારબાદ તેને ક્યારેય છૂટા ન કરી શકાય અને નોકરી પર જોડાયા બાદ આ ઉમેદવાર કાનૂની રક્ષણ મેળવી લે તે માટે જાહેરાતમાં પણ જગ્યા હંગામી હોવાનો મુદ્દો ઉલાળી દેવાયો છે. તેના પરિણામે ભવિષ્યમાં જ્યારે રાજ્ય સરકારની સમયમર્યાદા પૂરી થઇ જાય અને વધુ મુદત માટે સરકાર મંજૂરી ન આપે તો ત્યારબાદ આ જગ્યાના પગાર સહિતનું ભારણ સૌરાષ્ટ્ર યુનિ.ની કેડ પર આવી જાય તેવી પૂરતી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *