રાજકોટમાં 13.2 ડિગ્રી: ભેજનું પ્રમાણ 80 ટકાથી વધુ રહેતા ધુમ્મસ છવાઈ

હાલમાં પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. નવેમ્બરમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા નહિવત્ છે. રાજકોટમાં સોમવારે લઘુતમ તાપમાન 13.2 ડિગ્રી રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી રહ્યું હતું. રાજકોટમાં સોમવારે સવારે ભેજનું પ્રમાણ 80%થી વધુ રહેતા ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું. વાહનચાલકોને પણ ધુમ્મસને કારણે મુશ્કેલી પડી હતી.

રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીની અસર જોવા મળી રહી છે, જ્યારે બપોરના ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસો ખૂબ જ ઠંડા રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં અત્યારે પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જો આગામી દિવસોમાં પવનોની દિશા સ્થિર થશે તો ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ શકે છે. જોકે આગામી ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. કારણ કે, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે, જેની અસર આગામી સમયમાં ગુજરાતમાં થશે. જે બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. આ વર્ષે નવેમ્બર માસમાં જ આકરી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ડિસેમ્બરમાં હજુ વધુ ઠંડી રહેવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *