રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સની આર્ટ ગેલેરી ખાતે રાજકોટ શહેરની વિકાસ યાત્રા અંતર્ગત ‘રાઈઝીંગ રાજકોટ’ પ્રદર્શન ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું. જેમાં ‘રાજકોટની કલ આજ ઔર કલ’ એટલે કે રાજકોટનો ભવ્ય ભૂતકાળ, જાજરમાન વર્તમાન કાળ અને ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતી અનેક તસવીરો અને પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. 400 વર્ષની ઐતિહાસિક સફરના સાક્ષી રહેલા રાજકોટની આ વિકાસ યાત્રા અને પ્રગતીની ઝલક બતાવતા પ્રદર્શનમાં 6 ગેલેરીમાં રાજકોટ શહેરનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના વિકાસના રોડમેપથી માહિતગાર થઇ શકાય છે. એટલું જ નહીં આ પ્રદર્શનમાં વડાપ્રધાન મોદી સાથે અટલ સરોવરમાં ફોટો પડાવવો તેમજ સ્માર્ટ સિટીમાં નિર્માણ પામનાર વર્કિંગ વુમન હોસ્ટેલનો 3D નઝારો અને આઝાદી પૂર્વેના દુર્લભ ફોટાઓ પણ જોવા મળે છે.
રાઈઝીંગ રાજકોટ’ પ્રદર્શન માણવા આવેલા શીતલબેન મહેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અહીં રાજકોટનો 20 વર્ષ અગાઉનો ઇતિહાસ કેવો હતો તેની દુર્લભ તસવીરો જોવા મળી છે. આ તસવીરોની ગોઠવણ ખૂબ સરસ રીતે કરવામાં આવી છે. તેમજ AI દ્વારા દરેક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવી શકે છે. જેમાં મારા ભાઈનો ફોટો અટલ સરોવરનાં લોકેશન પર પડાવ્યો હતો. આ સુવિધા ખરેખર અદ્ભૂત છે. એટલું જ નહીં ન્યુ રાજકોટનાં સ્માર્ટ સિટીમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનવા જઈ રહી છે. આ હોસ્ટેલ કેવી હશે તેને 3D તરીકે જોઈ શકાય છે. આરામદાયક ખુરશી પર બેસીને જેમ કોઈ 3D મુવી જોતા હોઈએ તેમ આંખ ઉપર ડિવાઇસ લગાવીને આ હોસ્ટેલનું મોડલ બતાવવામાં આવે છે, જે ખરેખર અકલ્પનીય છે. વધુમાં વધુ લોકો અહીં આવે અને રાજકોટનો ઇતિહાસ તેમજ ભવિષ્યમાં અહીં જે નવી સુવિધાઓ મળવાની છે તેની ઝલક નિહાળે તેવી મારી અપીલ છે.