મોરબીમાં વ્યાજખોરોની હિંમત વધી રહી હોય એમ વધુને વધુ વ્યાજખોરોના ત્રાસના બનાવો બહાર આવી રહ્યા છે. જેમાં મોરબીના મકનસરના ગોકુલનગરમાં મોબાઈલના એક ધંધાર્થીએ અઢી લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લઈ બાદમાં ચાર મહિનામાં ચૂકવી દીધા હોવા છતા વ્યાજખોરોએ માથાભારે શખ્સનો હવાલો આપી 2.5 લાખના વધુ 30 લાખ પડાવી લેવા બેંકમાં ચેક નાખીને તેનું જીવવું હરામ કરી દીધું હતું. અંતે આ વ્યાજખોરોના ત્રાસનો મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા અને અગાઉ મોબાઇલની દુકાન ધરાવતા અમિતભાઇ વિનોદભાઈ વડોલીયા ઉ.વ.26 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ પોતાને નાણાની જરૂરત પડતા દિલીપ ઉર્ફે ભગવાન વાલજીભાઈ આલ રહે.મકનસર, ગોકુલનગર મોરબીની પાસેથી 30 ટકાના ઉંચા વ્યાજ દરે અઢી લાખ રૂપિયા લેવા પડ્યા હતા.પરંતુ આ અઢી લાખની મૂળ રકમ 30 ટકાના વ્યાજ સાથે ચૂકવી દીધી હતી.
ચાર મહિનામાં વ્યાજ સાથે મૂળ રકમ આપી દેવા છતાં પણ દિલીપ ઉર્ફે ભગવાન વાલજીભાઈ આલે અમિતાભાઈ પાસેથી બે કોરા ચેક પડાવી લીધા હતા. જે ચેક નાણાં ચૂકવવા છતાં પરત ન કરી અને ચેક ક્યાંક મુકાઈ ગયા હોવાનું બહાનું બતાવ્યું હતું.
આરોપી દિલીપે કોઈ ઇમરાન નામના શખ્સને આ બન્ને ચેક આપી દેતા ઇમરાન અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સ અવારનવાર અમિતને ફોન કરી પૈસાની પઠાણી ઉઘરાણી કરી ત્રીસ લાખ આપવા પડશે તેમ કહી બેંકમાં ચેક નાખ્યા હતા.
જેથી વ્યાજખોરીના આરોપી દિલીપ, ઇમરાન અને અન્ય ત્રણ અજાણ્યા વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.