રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે કારીગર પિતા-પુત્ર દ્વારા 1 કરોડથી વધુ કિંમતની ફાઈન ચાંદી ઓળવી જવા અંગે ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. જેમાં ફરિયાદી જીતેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સોની બજાર દરબાર ગઢ ચોકની બાજુમા ડાયમંડ ચેમ્બરમાં પદમાવતી ટ્રેડર્સ નામની પેઢી ચલાવી ચાંદીનાં દાગીનાનુ લે વેચનો વેપાર કરે છે. લક્ષ્મીવાડીમાં રહેતા હરેશ કારેલીયા અને તેનાં દીકરા પ્રશાંત ઉર્ફે પીન્ટુને છેલ્લા 20 વર્ષથી ઓળખતા હોવાથી તેમને ઘરેણા બનાવવા માટે આપતા હતા.
ગઇ તા. 3 જૂન 2025નાં રોજ 36,206 ગ્રામ, તા. 6 જૂન 2025નાં રોજ 34,209 ગ્રામ ફાઈન ચાંદી ત્યારબાદ ગઇ તા. 10 જૂન 2025નાં રોજ 20,106 ગ્રામ મળી કુલ 90,621 ગ્રામ ફાઇન ચાંદી જેની કિંમત રૂ.1.39 કરોડ થાય તે ચાંદીનાં પટ્ટા અને લક્કી બનાવવા માટે આપ્યું હતું જે એક મહિનામાં પરત આપવાનું હતું. એક મહિના પછી હરેશભાઇને કોલ કરતા કે થોડા દીવસમા આપી દઇશ કહી બાદમાં ફોન ઉપાડવાનુ બંધ કરી દીધું હતું. જેથી હરેશભાઇ અને તેમનો દીકરો પ્રશાંત ઉર્ફે પીન્ટુ રૂ.1.39 કરોડનુ ફાઇન ચાંદી ઓળવી જતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બન્ને પિતા-પુત્ર વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.