ભક્તિનગર સોસાયટી મેઈન રોડ પર રહેતાં અને પેલેસ રોડ પર શિવા મહારાજ શેરીમાં શ્રી પ્રભુકૃપા જ્વેલર્સ નામે વેપાર કરતાં નિખિલભાઈ રાજેન્દ્રભાઈ રાણપરાની દુકાનેથી તેમજ અન્ય વેપારી નિલેશભાઈ હિંમતભાઈ કાતરોડિયાની દુકાનેથી વર્ષ 2024માં મૂળ રાજસ્થાનનો અને જે-તે વખતે પ્રહલાદ પ્લોટમાં રહેતો મનોજકુમાર મોહનલાલ શર્મા રૂ.27.27 લાખની કિંમતના 22 કેરેટના સોનાના દાગીનામાં જડતર કામ કરવા માટે લઇ ગયા બાદ આ દાગીના લઈને ભાગી ગયો હતો. આ શખ્સને એલસીબી ઝોન-1 ટીમે રાજસ્થાનથી પકડી લીધો છે.
આ શખ્સ દાગીના લઇ ભાગી ગયા બાદ રાજસ્થાનમાં કિશનગઢ-અજમેર હાઇવે પર હોટેલ ચાલુ કરીને બેસી ગયો હતો. આ ગુનામાં ફરાર મનોજ રાજસ્થાનના લુણાવામાં રહેતો હોવાની વિગતો જે તે વખતે મળી હતી, પરંતુ પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે મળ્યો નહોતો. દરમિયાન આ શખ્સ હાલમાં રાજસ્થાનમાં લુણાવાના કિશનગઢ પાસે અજમેર હાઈવે પર હોટેલ ચલાવતો હોવાની અને ત્યાં જ રહેતો હોવાની બાતમી મળતાં એલસીબી ઝોન-1 ટીમ ત્યાં પહોંચી હતી અને તેને દબોચી લીધો હતો. ભાગ્યા બાદ તે હોટેલ ખોલીને ધંધો કરવા લાગ્યો હતો.