પેડક રોડ પર કામના પહેલા જ દિવસે હાર્ટએટેક આવી જતાં યુવકનું મોત

શહેરના કુવાડવા મેઈન રોડ, ચામુંડા સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ જીલુભા સોઢા (ઉં.વ.23)નું પેડક રોડ પર આવેલા સર્વિસ સ્ટેશનમાં કામના પ્રથમ જ દિવસે હાર્ટએટેક આવી જતા એકાએક નીચે પટકાઈ જતાં મોત નીપજ્યું હતું. થોરાળા પોલીસ મથકના પીએસઆઈ ઝીંઝાળા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતક તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને અપરિણીત હતો.

બીજા બનાવમાં મહાવીરનગરમાં રહેતા સંજયભાઈ રામજીભાઈ વાઘેલા (ઉં.વ.58) રાત્રે સૂતા બાદ નહીં ઉઠતા સારવાર અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડતા તબીબે પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નીપજયું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતા. સંતાનમાં પુત્રી-પુત્ર છે અને મૃતક ફાયર બ્રિગેડમાં ફાયરમેન તરીકે નોકરી કરતા હતા.

અગ્નિસ્નાન કરનાર મહિલાનું સારવારમાં મોત માયાણીનગર આવાસ ક્વાર્ટરમાં રહેતી દિવ્યાબેન છોટુભાઈ પરમાર (ઉ.વ.45) નામની મહિલાએ ગત.તા.4ના પોતાના ઘરે જાતે શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતા તાકીદે સારવાર અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડાઈ હતી. જ્યાં ટૂંકી સારવારમાં તેણીએ દમ તોડી દેતા માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ તપાસ હાથ ધરતા મૃતક ત્રણ બહેનમાં વચેટ અને અપરિણીત હોવાનું અને તેણીને માનસિક અસ્થિર હોય જેથી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *