રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હાઈસ્કૂલ મ્યુઝિયમ બની

મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે, રાજકોટની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ (જેમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો) ખાતે આવેલું ગાંધી મ્યુઝિયમ ફરી ચર્ચામાં આવ્યું છે. આ શાળાને 26 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવી હતી અને 30 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરાયું હતું. આ મ્યુઝિયમમાં ‘મોહનથી મહાત્મા’ સુધીની બાપુની જીવનશૈલીને દર્શાવતી 40 ગેલેરીઓ અને ભારતનો સૌથી મોટો 3ડી મેપિંગ શો જેવા આકર્ષણો છે.

જોકે, આ ભવ્ય પ્રોજેક્ટની જાળવણી પાછળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષમાં 11 કરોડથી વધુનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે, જે સામે આવક માત્ર 15થી 20 લાખની થઈ રહી છે. અત્યાર સુધીમાં 2,417 વિદેશીઓ સહિત કુલ 3,59,544 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે, છતાં ખર્ચની તુલનામાં મુલાકાતીઓની સંખ્યા ઓછી રહેતાં તંત્ર ગાંધી વિચારના પ્રચારના મૂળ હેતુમાં નિષ્ફળ રહ્યું હોવાનો મત વ્યક્ત થઈ રહ્યો છે.

આજે ગાંધી જયંતિ નિમિત્તે, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મ્યુઝિયમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો છે, અને સાંજે 5:45 કલાકે સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવે અને તેમની ટીમ દ્વારા ‘ગાંધી ધૂન’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *