રાજકોટમાં દશેરા અને નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરભરમાં ખાદ્યપદાર્થોનું સઘન ચેકિંગ શરૂ કર્યું છે. સતત બીજા દિવસે પણ મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. તહેવારો દરમિયાન લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે RMCનો ફૂડ વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યો છે. જે અંતર્ગત 2 દિવસમાં 70થી વધુ પેઢીઓનું ચેકિંગ કરી 40થી વધુ નમુના લેવામાં આવ્યા છે. જોકે, નમુનાનો રિપોર્ટ દેવદિવાળી પછી આવશે ત્યાં સુધીમાં અનેક લોકો મીઠાઈઓ આરોગી ચૂક્યા હશે.
RMCના ફૂડ વિભાગે શહેરના મુખ્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી, જેમાં રૈયા રોડ પર આવેલ બાલાજી ફરસાણ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ મીઠાઈઓનાં નમૂના લેવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન સ્વચ્છતાનો અભાવ સહિતની ખામી જોવા મળતા તેમજ એક્સપયારી ડેટ લખેલી નહીં હોવાનું સામે આવતા આ મામલે વેપારીને નોટિસ પણ આપવામાં આવી હતી.
મીઠાઈ પર એક્સપાઇરી ડેટ લખેલી ન હોવાનું સામે આવ્યું ફૂડ સેફટી ઓફિસર રાજુલ પરમારે જણાવ્યું હતું કે, દશેરા અને નવરાત્રીના તહેવારોના કારણે મીઠાઈ અને ફરસાણનો વપરાશ વધી જતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને તપાસ અભિયાન શરૂ કરાયું છે. ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બાલાજી ફરસાણમાંથી વિવિધ મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન દુકાનમાં નાની-મોટી ક્ષતિઓ જોવા મળી હતી. મીઠાઈ પર એક્સપાઇરી ડેટ લખેલી ન હોવાનું સામે આવ્યું હતું, જે ગ્રાહકોના આરોગ્ય માટે જોખમી બની શકે છે.