હાલની વૈશ્વિક પરિસ્થિતિ જોતા નિકાસકારો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતી તીવ્ર હરીફાઇ અને ટેરિફમાં અસહ્ય ભાવવધારાને કારણે નિકાસકારોને બિઝનેસમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ત્યારે નિકાસકારો માટે 24 X 7 સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન શરૂ કરવા કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ અને નાણામંત્રી નિર્મલા સીતારામનને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખે રજૂઆત કરી છે.જે
માં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ઓર્ડર મેળવવા, ખરીદદારોનો વિશ્વાસ જાળવી રાખવા ICEGATEમાં જોવા મળતી ટેક્નિકલ ભૂલો, સર્વરની ખામીઓ તથા વહીવટી ગૂંચવણોને કારણે સમગ્ર નિકાસ પ્રક્રિયામાં વિલંબ થવા પામે છે. આવી સમસ્યાઓને કારણે વિશ્વક્ષેત્રે ભારતની પ્રતિષ્ઠા અને નિર્ભરતાને ઘણી અસર પહોંચે છે.
સરકાર દ્વારા હાલમાં 24 X 7 ઇમર્જન્સી સેવાઓ જેવી કે ઇમર્જન્સી રિસ્પોન્શ સપોર્ટ સિસ્ટમ, ફાયર એન્ડ રેસ્ક્યૂ, પોલીસ વગેરે નાગરિકોની સલામતી અને સવલતો માટે પૂરી પડાય છે.
તેવી જ રીતે નિકાસકારોને દરેક બાબતોમાં પડી રહેલી મુશ્કેલીઓનું તુરંતમાં નિરાકરણ લાવી શકાય તે માટે સંપૂર્ણ સહાયરૂપ 24 X 7 સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન શરૂ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા દ્વારા માગ કરાઇ છે.