બિલીમોરાના સોમનાથ રોડ સ્થિત ગૌહરબાગ જૈન સંઘમાં પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજીએ અમૃતવાણીનું આચમન કરાવતા કહ્યું હતું કે, આર્યદેશમાં મનુષ્યભવ તરીકે જન્મ મળવો એ આપણું પરમ સદભાગ્ય છે. ભાગ્યહિનોને ભારતમાં જન્મ મળતો નથી. અરિહંતો, ભગવંતો, સંતો, મહંતો, ત્યાગી અને તપસ્વીઓની આ ભૂમિ છે.
ભક્તિની ભાગીરથી હિંદુસ્તાનમાં સતત વહી રહી છે. શ્રદ્ધા, સમર્પણ અને સત્ત્વનો ત્રિરંગો ઝંડો આ દેશમાં સતત લહેરાઈ રહ્યો છે. ભારતના સીમાડાઓની સુરક્ષા અને સલામતી આપણા સૈનિકોને આભારી છે. ભારતની ભૂમિ ઊર્જાવંતી છે. વિદેશોમાં ગમે ત્યારે આફતો આવે છે. ધરતીકંપો, વાવાઝોડા અને ઘોડાપુરો આવ્યા જ કરતા હોય છે. ત્યાંની પ્રજા સતત ત્રસ્ત હોય છે. આપણા દેશમાં આફતો આવે છે પણ અવસરમાં રૂપાંતરિત થઈ જાય છે. આફતોની તીવ્રતા પણ બહુ મંદ હોય છે.
ભારતીય પ્રજામાં ભક્તિનું માધુર્ય ગજબનું છે. ભારતમાં લોકો ઉત્સવપ્રિય હોય છે, અહીં તો પર્વો અને ઉત્સવોની હારમાળા ચાલે છે. સમગ્ર વર્ષ દરમ્યાન કંઈને કંઈ ધાર્મિક માહોલ જામેલો હોય છે. ક્યારેક કૃષ્ણ કનૈયાનો રાસ ચાલે છે તો ક્યારેક ગુજરાતના ગૌરવ સમાન ગરબો રમઝટ જમાવે છે. આસો મહિનો ઉપવાસનો મહિનો છે. શક્તિ અને ભક્તિનો મહિનો છે. નવરાત્રિના દિવસોમાં યૌવન હિલોળે ચડે છે. ખેલૈયાઓ મોડી રાત સુધી જગદંબાની પાછળ ઝુમે છે. વાસ્તવમાં તો નારી જગત માટેનું આ પર્વ છે. શક્તિદર્શન કે શક્તિપ્રદર્શન માટેનું આ પર્વ નથી, શક્તિની ઉપાસનાનું પર્વ છે. આવા દિવસોમાં રાત્રિના સમયે દિવ્ય તત્વનું આવન–જાવન આકાશમાર્ગે વધુ હોય છે.