રાજકોટ તાલુકાના કોઠારીયા (ટંકારા) ગામે ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના એક પરિવાર પર શોક છવાયો છે. પરિવારનો 15 વર્ષીય સગીર મડીયા વરીયાભાઈ શીંગાળા ગરબી જોઈને મોડી રાત્રે બાઈક પર પરત ફરી રહ્યો હતો. આશરે 10 વાગ્યાની આસપાસ બાઘી આણંદ પર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે તેની મોટર સાયકલ સ્લીપ થઈ ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. બેભાન હાલતમાં તેને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક સગીર 2 બહેન અને 5 ભાઈઓમાં સૌથી નાનો હતો. કુવાડવા રોડ પોલીસે આ ઘટનાની નોંધ લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને કોઠારીયા ગામમાં દીલભાઈની વાડીએ રહીને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. આ દુર્ઘટનાથી સમગ્ર પરિવારમાં ગમગીનીનો માહોલ છે.
અન્ય બનાવ રાજકોટનાં રૂખડિયાપરામાં રહેતા તોફીક શેખ નામના 25 વર્ષીય યુવાન પર ગઈકાલે રાત્રે હુમલો થયો હતો. તોફીક શેખ પોતાની પત્ની મુસ્કાન સાથે તેમના સાસુના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઈસ્માઈલ શેખ, તેનો દીકરો ઈમાન ઉર્ફે કાલી અને સાહિલ શેખે તેમની પર હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ તોફીકને પોલીસને બાતમી આપવા બાબતે ગાળો આપી હતી. તોફીકે આ વાતનો ઈન્કાર કરતા ત્રણેય ઉશ્કેરાઈ ગયા અને લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન તોફીકની પત્ની વચ્ચે પડતા તેને પણ ઈજા થઈ છે. આરોપીઓએ તોફીકના મોઢા પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન તેની પત્નીએ હાથ આડો કરતા તોફીકને દાઢીના ભાગે છરકો લાગ્યો હતો. સાહિલે ઢીકા-પાટુનો માર માર્યો હતો. જોકે બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત તોફીકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે હાલ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.