રૈયા ગામ પાસે નદીમાં ડૂબી જતા બે સગીર બાળકોના કરુણ મોત નિપજ્યા

રાજકોટનાં રૈયા ગામ પાસે નદીમાં ડૂબી જવાથી 15 અને 13 વર્ષના બે બાળકોના મૃત્યુ થયા છે. આ બંને બાળકો નદીમાં નહાવા ગયા હતા અને માછલી પકડવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મૃતક બાળકોની ઓળખ મહંમદમુસ્તાક તાજમહંમદ સૈયદ (ઉંમર 13) અને અલ્તાફ દોસ્ત મહંમદ રાજા (ઉંમર 15) તરીકે થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, બંને મિત્રો તેમના ઘર પાસે આવેલા તળાવમાં નહાવા ગયા હતા. આ દરમિયાન, મહંમદમુસ્તાક ઊંડા પાણીમાં ડૂબી રહ્યો હતો, અને તેને બચાવવા જતા અલ્તાફ પણ ડૂબી ગયો હતો. બંને બાળકોને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બાળકોના પરિવારજનોએ આ વાત સ્વીકારવાનો ઇનકાર કર્યો અને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં પણ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બંને બાળકોના મૃત્યુથી પરિવારમાં ભારે શોક છવાયો છે.

અન્ય બનાવ રાજકોટ શહેરના કણકોટ ગામ નજીક, આજે સવારે વીજળીના થાંભલા પર કામ કરતા એક કર્મચારીનું દુર્ઘટનામાં કરુણ મોત થયું છે. અરવિંદ નટવરભાઈ બારીયા (ઉંમર 23) સવારે 10 વાગ્યાની આસપાસ કણકોટ એન્જિનિયરિંગ કોલેજ પાછળ ઇલેક્ટ્રિકના થાંભલા પર કામ કરી રહ્યા હતા. તે PGVCLની કોન્ટ્રાક્ટ એજન્સી માટે ફરજ બજાવતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, અરવિંદ બોલેરો જીપ પર લગાવેલા લિફ્ટ પિંજરા વડે થાંભલા પર ચડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પિંજરામાંથી નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૂળ દાહોદના વતની અરવિંદ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાના હતા. આ દુર્ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *