પિતૃઓના શ્રાદ્ધના દિવસે પિંડદાન, તર્પણ કરવાથી શાંતિ, ઉત્તમ ફળ મળે

હિંદુ ધર્મમાં પિતૃઓ અને પૂર્વજોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. પિતૃ પૂજા દ્વારા લોકો તેમની શ્રદ્ધા દર્શાવે છે. પિતૃઓ તેમના જીવનકાળમાં મહાન કાર્ય કરીને પરિવાર અને સમાજના વિકાસમાં યોગદાન આપતાં હોય છે, અને શ્રાદ્ધ દ્વારા તેમના આત્માને શાંતિ મળે છે. પિતૃઓ પ્રત્યે આદર અને શ્રદ્ધા વ્યક્તિના પુણ્યને વધારી શકે છે.

ઘણી વાર લોકોમાં ખોટી માન્યતા ઘડાઇ ગઇ છે કે પિતૃને કોઇ દિવસ જાગૃત ન કરાય પિતૃ સૂતા સારા. આ વિષયે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, આ માન્યતા સાવ ખોટી છે કારણ કે, શાસ્ત્ર, પુરાણ પ્રમાણે દર વર્ષે શ્રાદ્ધ કરવું જરૂરી છે અને દર 3 વર્ષે એકવાર પિતૃકાર્ય કરવાથી જીવનમાં કોઇ દિવસ દુ:ખ આવતું નથી.

પુરાણોમાં જણાવ્યા અનુસાર જે દેવતાઓ આશીર્વાદ નથી આપી શકતા તે પિતૃ આપે છે અને પિતૃઓને સાચી તૃપ્તિ પિંડદાન અને તર્પણથી જ મળે છે.

આમ બીજી રીતે કહીએ તો, જેમ આપણો ખોરાક રોટલી, દાળ, ભાત, શાક છે તેમ પિતૃઓનો ખોરાક તર્પણ એટલે કે જલાં, અંજલિ અને પિંડદાન છે બીજું બધું દાન પુણ્ય કરીએ પણ સાથે પહેલા મુખ્ય તર્પણ અને પિંડદાન કરવું જરૂરી છે.

આથી, દર વર્ષે ભાદરવા માસમાં પિતૃઓના શ્રાદ્ધના દિવસે પિંડદાન અને તર્પણ કરાવવું જીવનમાં શાંતિ અને ઉત્તમ ફળ આપનાર છે. તેથી દર વર્ષે પિતૃઓના શ્રાદ્ધના દિવસે પિંડદાન અને તર્પણ કરાવવું જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *