ગુજરાતમાં 10 વર્ષ પછી રેવન્યુ તલાટીની ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.14 સપ્ટેમ્બરના રવિવારે રેવન્યુ તલાટી વર્ગ – 3 ની 2389 જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં 10 વર્ષ પછી રેવન્યુ તલાટીની પોસ્ટ માટે ભરતી થવા જઈ રહી છે. જેમાં એક જિલ્લાના ઉમેદવારોને અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. પરીક્ષાનો સમય બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાનનો છે. જોકે ઉમેદવારોને પરીક્ષા શરૂ થયાના બે કલાક પહેલા એન્ટ્રી આપી દેવામાં આવશે. જેમનું મેટલ ડિટેક્ટરથી ચેકીંગ બાદ બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લાના 162 કેન્દ્રો પરથી 49,077 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જોકે અહીં પરીક્ષા આપતા ઉમેદવારો અન્ય જિલ્લાના હશે. રાજકોટના ઉમેદવારોને મોટાભાગે જામનગર સહિતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ઉમેદવારોને પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની 25 સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં રવિવારે 162 કેન્દ્રોના 1600 બ્લોક પરથી 49,077 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જે માટે કરણસિંહજી હાઈસ્કૂલમાં 3 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલા છે. જ્યારે ગાંધીનગરથી પ્રશ્નપત્રો અહીં પોલીસ સ્ક્વોડ સાથે લાવવામાં આવશે ત્યારબાદ આ પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવશે. જ્યાં 3 શિફ્ટમાં પોલીસ સિક્યુરિટી હેઠળ નિગરાની રાખવામાં આવશે. આ તમામ પેપરોને CCTV સર્વેલન્સમાં રાખવામાં આવશે.

72 રૂટ મારફત પરીક્ષાના 162 કેન્દ્રો સુધી પ્રશ્નપત્રો પહોંચાડવામાં આવશે. જેમની સાથે ક્લાસ -2 અને 3 ના અધિકારીઓ સુપરવિઝનમાં રહેશે. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે કેન્દ્ર સંચાલક સાથે ક્લાસ -2 ઓફિસરની નિમણૂક કરવામાં આવેલી છે. આ તમામ લોકો પરીક્ષા દરમિયાન સતત મોનીટરીંગ કરશે. જે માટે પોલીસ કમિશનર કચેરી ખાતે મિટીંગ થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *