રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર વિધાનસભામાં કડક સવાલો ઉઠ્યા છે. રાજ્ય સરકાર ‘શૈક્ષણિક વિકાસ’ના દાવા કરતી હોય ત્યારે જ યુનિવર્સિટીની બેદરકારી ખુલ્લી પડી છે.
આશરે દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો, પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 12 અને એકેડેમિક કાઉન્સિલમાં 45 સભ્યની ખાલી બેઠકો આજ સુધી ભરાઈ નથી.
આ બેઠકો ખાલી હોવાને કારણે નીતિ-નિર્ણયો અટવાયા છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતો સીધા અસરગ્રસ્ત બન્યા છે. ખાસ કરીને SC, ST અને OBC વર્ગ માટેની 16માંથી 15 બેઠકો ખાલી હોવી, સામાજિક ન્યાય પ્રત્યે યુનિવર્સિટીની અસંવેદનશીલતા દર્શાવે છે. અનામત વર્ગોનું પ્રતિનિધિત્વ જ ખાલી રાખવું એ સરકારના ‘સર્વસમાવેશી વિકાસ’ના દાવા ખોટા પાડે છે.
આ સાથે, યુનિવર્સિટીની આર્થિક વહીવટ પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં જ જે લાઇબ્રેરી માટે 6 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું તે 6 કરોડના બજેટ સામે અત્યાર સુધીમાં 7.39 કરોડનો ખર્ચ થયો છે. એટલે કે, 1.39 કરોડ વધુ ખર્ચાઈ ગયા છે.
વિદ્યાર્થીઓને સારા પુસ્તકો અને સંશોધન સુવિધાઓ મળવાની જગ્યાએ કરોડો રૂપિયાનો ખર્ચ ક્યાં વપરાયો તેની તપાસની માંગ જોર પકડી રહી છે.
સત્તામંડળની બેઠકો ખાલી રાખીને રાજકીય ગોટાળા માટે ‘ગેરવહીવટનું મેદાન’ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નોની અવગણના કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, સરકાર આ મુદ્દાઓ પર કડક કાર્યવાહી કરે છે કે નહીં, કે પછી હંમેશની જેમ આ મુદ્દાઓ ફાઈલોમાં દટાઈ જશે.