નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે ભાવનગરના 43 અને અમદાવાદના 9 સહિત ગુજરાતના 300થી વધુ લોકો ફસાયા છે. આ તમામ ગુજરાતીઓને હાલ હોટલ, વૃદ્ધાશ્રમ સહિતની જગ્યાઓ પર સિક્યોરિટી સાથે સુરક્ષિત રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાવનગરના નારી ગામના 43 શ્રદ્ધાળુ 29 ઓગસ્ટના રોજ નેપાળ પ્રવાસ માટે રવાના થયા હતાં. નેપાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે તમામ લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બનતાં તેઓ પોખરાની એક હોટલમાં પુરાયા છે.
નેપાળથી તેમણે એક વીડિયો બનાવી સરકાર પાસે મદદ માગી છે. સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહને આ માહિતી મળતાં તેમણે તમામ ફસાયેલા લોકોના સમાચાર મેળવી તાત્કાલિક ધારાસભ્ય જિતુ વાઘાણીને આ અંગે જાણ કરી હતી. જિતુ વાઘાણીએ ફસાયેલા લોકો સાથે ફોન પર વાત કરી અને સૌને સુરક્ષિત સ્થળે રહેવાની સૂચના આપી છે.
આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ સ્થિતિથી વાકેફ કર્યા છે. ભારત સરકાર ફસાયેલા તમામ લોકોને જલદી આ આફતમાંથી બહાર કાઢશે એવી મુખ્યમંત્રીએ ખાતરી આપતી X પર પોસ્ટ કરી છે.