રાજકોટમાં ‘AAP’ના નેતા ઈસુદાન ગઢવીનાં સરકાર પર આકરા પ્રહારો, હેલ્મેટ-ખેડૂતો સહિતનાં મુદ્દે ઝાટકણી કાઢી

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખાસ વિદ્યાર્થીઓ, યુવાનો અને ખેડૂતોના મુદ્દે સરકારની નિષ્ફળતા અંગે ટીકા કરી હતી. યુવાનોને નવા રાજકારણનો પાયો નાખવા અપીલ કરી હતી. આ તકે હેલ્મેટ અને ખેડૂતોનાં મુદ્દે ઈસુદાને સરકારની ઝાટકણી કાઢી હતી.

વિદ્યાર્થીઓ અને યુવાનો માટે નવા રાજકારણનો પાયો ઈસુદાન ગઢવીએ રાજકોટમાં ‘AAP’ની વિદ્યાર્થી પાંખ “એસાપ” (ASAP – Aam Aadmi Students Action Party) નામના નવા સંગઠનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ સંગઠન દ્વારા વિદ્યાર્થી રાજકારણમાં એક નવો વિકલ્પ પૂરો પાડવામાં આવશે. તેમણે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનોને આ રાજકારણ સાથે જોડાવવા માટે આહ્વાન કર્યું હતું. ગઢવીએ કહ્યું કે, “આગામી સમયમાં વિદ્યાર્થીઓનો અવાજ જમીન સ્તરે તાલુકા, જિલ્લા, કોર્પોરેશન અને છેવટે વિધાનસભા સુધી પહોંચશે.” તેમણે ઉમેર્યું કે, ‘AAP’ સામાન્ય પરિવારના યુવાનોને રાજકારણમાં તક આપશે અને તેમને નેતૃત્વ કરવા માટે પ્રોત્સાહિત કરશે, જેથી તેઓ પોતાની સરકાર અને કોર્પોરેશન બનાવી શકશે.

ઈસુદાન ગઢવીએ આગામી કોર્પોરેશનની ચૂંટણીઓ અંગે જણાવ્યું કે, ‘AAP’ ગુજરાતની તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સંપૂર્ણ મજબૂતાઈ સાથે લડશે. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ માત્ર પોતાના સગા-સંબંધીઓને જ ચૂંટણી લડાવે છે, જ્યારે સામાન્ય કાર્યકર્તાઓને માત્ર “ગાભા સાફ” કરવાનું જ કામ સોંપવામાં આવે છે. ‘AAP’ આ રાજકારણથી વિપરીત સામાન્ય પરિવારોને નેતૃત્વની તક આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *