રાજકોટ મનપા દ્વારા શહેરીજનોને શુભ અને માંગલિક કાર્યો માટે ઓછા ખર્ચમાં સુવિધાયુક્ત લગ્ન હોલ મળી રહે તે માટે અલગ-અલગ સ્થળે 27 જેટલા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે, પરંતુ ટીઆરપી અગ્નિકાંડ બાદ એક વર્ષ કરતાં લાંબો સમય આ કોમ્યુનિટી હોલ બંધ રહ્યા હતા અને ત્યારબાદ છેલ્લા થોડા સમયથી 26 કોમ્યુનિટી હોલમાં બુકિંગ શરૂ કરાયા છે.
પરંતુ ટીઆરપી અગ્નિકાંડની અસર હોય કે બીજું કોઇ કારણ, નવેમ્બર માસ સુધીના બુકિંગની સમયમર્યાદા પૂરી થઇ ગયા બાદ પણ મહાનગરપાલિકાના 6 કોમ્યુનિટી હોલમાં એક દિવસનું પણ બુકિંગ મળ્યું નથી.
જ્યારે સૌથી વધુ બુકિંગ એકમાત્ર રણછોડદાસ કોમ્યુનિટી હોલ-1માં 91 દિવસમાંથી 40 દિવસના બુકિંગ મળ્યા છે. જ્યારે બાકીના અન્ય કોમ્યુનિટી હોલમાં 1 દિવસથી લઇને વધુમાં વધુ 33 દિવસના બુકિંગ મળ્યા છે.
મનપા દ્વારા અલગ-અલગ કોમ્યુનિટી હોલ બનાવાયા છે. જેમાં અમુક કોમ્યુનિટી હોલ તો એર કન્ડિશનર છે. આ કોમ્યુનિટી હોલમાં ત્રણ મહિનામાં 91 દિવસ બુકિંગના મળે છે. જેમાં સપ્ટેમ્બર માસમાં 143, ઓક્ટોબર માસમાં 29 અને નવેમ્બર માસમાં 135 દિવસનું બુકિંગ મળી કુલ 307 બુકિંગ જ નોંધાયા છે.