શહેરના કોઠારિયામાં ડાયમંડ પાર્ટી પ્લોટ સુન્દરમ પાર્ક શેરી નં.2 બ્લોક નં.72માં રહેતા દિવ્યેશભાઈ વિનોદભાઈ પાનસુરિયા(ઉં.વ.25)એ સોમવારે ચારેક વાગ્યાની આસપાસ ઘરે ઝેરી પાઉડર પી લેતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આજી ડેમ પોલીસ મથકના જમાદાર એસ.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, આપઘાત કરનાર દિવ્યેશ છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીની તૈયારી કરતો હતો. ગત વર્ષમાં ઘણી પરીક્ષાઓ આપ્યા બાદ પાસ ન થતા યુવક હતાશામાં સરી પડ્યો હતો. આર્મીમાં જવાનું યુવકનું સ્વપ્ન હતું. હતાશામાં સરી પડેલા યુવકે ઝેરી પાઉડર પી જતાં મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે.
આપઘાતના અન્ય બનાવમાં સાધુ વાસવાણી રોડ પર રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા ધવલભાઈ હરજીભાઈ છાત્રોળા (ઉં.વ.35) નામના યુવાને ગૃહકલેશના કારણે શાપર-વેરાવળમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ એરિયા ઊર્જા-2 નામની કંપનીમાં પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર લીધા પૂર્વે જ યુવકનું મોત નીપજતા પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી.