ગુજરાત સહિત દેશના કેટલાક ઉત્તરી રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે તાજેતરમાં જ નેશનલ મેડિકલ કમિશને (NMC) પીજી મેડિકલના ડોક્ટરોને આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને મદદ કરવા આદેશ આપ્યો છે. એનએમસીએ કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેસિડેન્ટ ડોક્ટરોને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નાગરિકોની સહાય કરવા તાકીદ કરવામાં આવી છે. તબીબોની આ કામગીરીને ડિસ્ટ્રિક્ટ રેસિડેન્સી પ્રોગ્રામમાં ગણી લેવાશે.
આ પરિપત્ર અનુસાર, ડિસ્ટ્રિક્ટ રેસિડેન્સી પ્રોગ્રામ (DRP) હેઠળ સેવા આપી રહેલા પોસ્ટ-ગ્રેજ્યુએટ (PG) મેડિકલ વિદ્યાર્થીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. આ નિર્ણયને PG તાલીમના એક આવશ્યક ભાગ તરીકે ગણવામાં આવશે. આ પરિપત્રમાં જણાવાયું છે કે, આ તૈનાતીથી વિદ્યાર્થીઓને ક્ષેત્ર સ્તરે લોકોની આરોગ્ય જરૂરિયાતો સમજવાની તક મળશે. આ પહેલથી માત્ર જરૂરી આરોગ્ય સેવાઓ જ પૂરી પાડવામાં નહીં આવે, પરંતુ યુવા તબીબી વ્યાવસાયિકોને આપત્તિ પ્રતિસાદ, જાહેર આરોગ્ય વ્યવસ્થાપન અને સામુદાયિક સેવામાં મૂલ્યવાન અનુભવ સાથે તેમની તાલીમમાં વધારો કરશે.
તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ડિસ્ટ્રિક્ટ રેસિડેન્સી પ્રોગ્રામના નોડલ અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓની પોસ્ટિંગ કરી શકે છે. આ નિર્ણય દર્શાવે છે કે NMC આરોગ્ય સંકટની સ્થિતિમાં તાલીમ અને સેવાને જોડવા માટે કટિબદ્ધ છે. આ નિર્ણયથી આશા છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક આરોગ્ય સેવાઓ મજબૂત બનશે અને સાથે જ ભાવિ ડોક્ટરોને જીવન બદલતો અનુભવ પણ મળશે.