ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.જે માટે હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ચાલુ છે. રજિસ્ટ્રેશન કરવાની અંતિમ મુદત 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન કરી નહિ શકાય તેમ ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
ખરીફ પાક માટે ખેડૂતોએ નોંધણીમાં દર્શાવવામાં આવેલા સરવે નંબરમાં મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સેટેલાઇટ સરવે થકી જે સરવે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે, તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. જેથી, હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સરવેની કામગીરીમાં જિલ્લાના તમામ ખેડૂતોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સરવે અચૂક કરાવી લેવો જોઈએ.
એગ્રી સ્ટેક ડિજિટલ ક્રોપ સરવે પ્રોજેક્ટ અંતર્ગત ખરીફ પાક માટે ખેડૂત તેમના ગામના સર્વેયર અથવા ખેડૂત જાતે પોતાના ખેતરના પાક વાવેતર સરવેની કામગીરી કરી શકે છે. જેના માટે ખેડૂતે પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમાં ડિજિટલ ક્રોપ સરવે-ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ આ એપમાં સરવેની કામગીરી થાય છે. ખેડૂતે એપ્લિકેશન ઓપન કરી, ભાષા સિલેકટ કર્યા બાદ એકાઉન્ટમાં સાઈન ઈન કરીને મેનુમાં જવાનું છે. ત્યારબાદ ઓ.ટી.પી.ની પ્રક્રિયા થાય છે. આ એપ્લિકેશન મારફત ખેડૂત જાતે પોતાના ખેતરના પાક વાવેતરની નોંધણીની આગળની કાર્યવાહી કરી શકે છે. જેને ધ્યાને લઈને જિલ્લાના તમામ ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.