જસદણ અને વીંછિયા તાલુકામાં તૂટી ગયેલી સાત કેનાલના કામમાં નોટિસ આપીને સંતોષ માનતું તંત્ર

જિલ્લાના જસણદ-વીંછિયા તાલુકામાં સાત કેનાલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાવાળા માલ- સામાનના વપરાશને કારણે કેનાલ બને તે પહેલાં જ તૂટી ગઈ છે. જેને એક મહિનો વિત્યો હોવા છતાં તંત્રએ માત્ર નોટિસ આપીને જ સંતોષ માની લીધો છે. આ વિસ્તારમાં કેનાલ બનાવવાની કામગિરી તંત્રએ પોતાની માનિતી એજન્સીને સોંપ્યું હતું. જે તે સમયે જવાબદારો સામે કાર્યવાહી કરવાના દાવા પોકળ સાબિત થયા છે. તેમ વિરોધ પક્ષના નેતા મનસુખભાઈ સાકરિયાએ જણાવ્યું છે.

સિંચાઈ વિભાગના અધિકારીઓએ એજન્સીને બચાવવા માટે ભારે વરસાદને કારણે બાંધકામ તૂટી ગયું છે તેવું બહાનું ધર્યું છે. તેમજ આખું કામ એજન્સીએ ફરી વખત કરવું પડશે અને સમગ્ર ખર્ચ તેને જ ભોગવવાનો રહેશે તેમ સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું, પરંતુ આજદિન સુધી કોઈ કામ શરૂ થયું નથી. જેને કારણે ગ્રામજનોને અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. સામાન્ય રીતે વરસાદના પાણીના સંગ્રહ માટે જ કેનાલ બનાવવામાં આવતી હોય છે, કેનાલનું કામ શરૂ નહિ થતાં વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરાશે તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે.

જસદણ તથા વીંછિયામાં રાણીંગપર, આધિયા, રેવાણિયા, પાનેલિયા, હાથસણી, દેવધરી, આલણસાગર કેનાલના કામ મંજૂર કરવામાં આવ્યા હતા.જ્યાં- જ્યાં એજન્સીએ કામ કર્યું છે ત્યાં પણ કામ કટકે- કટકે કરવામાં આવ્યા હતા.આ બાંધકામ તૂટી ગયા બાદ સિંચાઈ વિભાગે માત્ર નોટિસ જ આપી છે. ફરીથી કામ ક્યારે શરૂ કરવામાં આવશે? કેટલાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે? અથવા તો કેટલાના ખર્ચ થશે? તે કોઈ પણ બાબત જાહેર કરી નથી. ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતાએ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *